/connect-gujarat/media/post_banners/582036ff9296aa2a4512ea9cc2a5e1ced11c30ac5ec1a1637a2d24decf9d3daf.jpg)
આજે દેશભરમાં 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં અને શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિધિ યોગા હબ દ્વારા આયોજિત યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી યોગ સાધના કરી હતી.
અમદાવાદ શહેરના યુવાનો હવે માની રહ્યા છે કે, સ્વસ્થ્ય રહેવા માટે યોગ કરવા ખૂબ જ જરૂરી છે. યોગ કરવાથી ઘણા લોકોએ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવ્યો છે, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં 38 સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા શહેરીજનો યોગમાં જોડાયા હતા, તો અનેક સ્થળોએ ઓનલાઈન યોગનું પણ આયોજન કરાયું હતું. કોરોના મહામારી બાદ વધુને વધુ લોકો યોગા અને પ્રયાણામમાં જોડાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ નિધિ યોગા હબ દ્વારા વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
નિધિ યોગા હબના ફાઉન્ડર નિધિ મહેતાએ જણાવ્યુ હતું કે, અગાઉના વર્ષોમાં યોગ પ્રત્યે લોકોમાં આટલી જાગૃતિ નહોતી, પણ આજે જ્યારે વિશ્વમાં 7મો યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. યોગના કારણે લોકોનું સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે. જોકે, સરકારી ગાઇડલાઇન હોવાથી લોકોની સીમિત સંખ્યામાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, રાજ્યભરમાં આજે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સામાન્ય જનતા સાથે રાજનેતાઓ અને અધિકારીઓ પણ યોગમાં જોડાઈ રહ્યા છે. વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં ઓફલાઈન અને ઓનલાઈન યોગા કરાવવામાં આવ્યા હતા.