-
અમરેલીના ખેડૂતનો કાર પ્રત્યેનો અદમ્ય લગાવ
-
લકી કારનું યોજાયું વાજતેગાજતે સામૈયું
-
ખેડૂતે અંતિમવિધિ કરીને કારને આપી સમાધિ
-
સાધુ સંતો સહિત મોટી સંખ્યમામાં મહેમાનો રહ્યા ઉપસ્થિત
-
સમાધિ પર વૃક્ષ વાવીને યાદગીરીરૂપી સ્મારક બનાવાશે
અમરેલી જિલ્લા માંથી આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અત્યાર સુધી લોકોએ સંતો, મહંતો, તેમજ અન્ય મહાપુરૂષોની,અને શ્વાનની સમાધિ વિશે જાણ્યું હશે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે કોઈ નિર્જીવ વસ્તુની પણ સમાધિ હોય શકે? આ ઘટના હકીકત બની છે.લાઠી તાલુકાના પાડરશીંગા ગામના રહેવાસી સંજય પોલરાએ પોતાની મનપસંદ અને લકી કારને સંતો અને મહેમાનોની હાજરીમાં સમાધિ આપી છે.જે ઘટનાએ લોકોમાં ભારે કૂતુહલ સર્જી દીધું છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પાડશીંગા ગામમાં સંજય પોલરા નામના ખેડૂત રહે છે.આ ખેડૂત પોતાની કારને લકી માનતા હતા.ખેડૂતનું માનવું હતું કે, કાર ખરીદ્યા બાદ તેમની પ્રતિષ્ઠા વધી છે અને સમાજમાં પણ તેમની નામના થઈ હતી.ખેડૂતને પોતાની કાર સાથે એક ખાસ લગાવ હતો,પરંતુ સમય જતાં હવે કાર ખેડૂતનો સાથ નહતી આપતી. કાર ખૂબ જ જૂની થઈ ગઈ હતી, તેમ છતાં ખેડૂતને તે ખૂબ જ વ્હાલી હોવાના કારણે ભંગારમાં નહતી વેચવી. જેથી ખેડૂતે તેને સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે વિદાય આપવાનું નક્કી કર્યું હતું.
ખેડૂત સંજય પોલરાએ પોતાની કારને સમાધિ અપાવી ત્યાં તેનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે.કારના સમાધિના પ્રસંગે ખેડૂતે અંદાજીત 15 હજાર જેટલા મહેમાનોને પણ તેડાવ્યા હતા. આ દરમિયાન સંપૂર્ણ વિધિ મુજબ પૂજા કરવામાં આવી અને ગામમાં ખૂબ જ ધામધૂમથી વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારની સમાધિ માટે સંતોને પણ બોલાવવામાં આવ્યા હતા.
કારને સમાધિ અપાવતા પહેલા ખેડૂતે તેને ફૂલોની માળાથી શણગારી અને અંતિમ સંસ્કાર પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ કારને સમાધિના ખાડામાં નીચે ઉતારવામાં આવી અને તેની ઉપર બુલડોઝર વડે માટી નાંખવામાં આવી હતી.કારની સમાધિ પહેલા ઢોલ નગારા સાથે કારનું સામૈયું કાઢવામાં આવ્યું હતું અને સમગ્ર કુટુંબીજનો અને મિત્રો હિલોળે ચઢ્યા હતા.ખેડૂત દ્વારા કારને સમાધિ આપીને આજીવન યાદ રહે તે માટે તેના ઉપર વૃક્ષનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.