અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને નુકશાન પહોચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે માવઠાના મારથી તબાહ થયેલા ખેડૂતોની વ્યથાઓ જાણવાનો કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિએ પ્રયાસ કર્યો હતો.
આ છે અમરેલી જિલ્લાના ગીર પંથકનું ધારી ગ્રામ્ય વિસ્તાર... ધારી-ગીરના ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં લેવાતા ઘઉં, ચણા, ધાણા, લસણ અને ડુંગળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે અચાનક જ હવામાન વિભાગે કરેલી આગાહીએ ધારી-ગીરના ખેડૂતોએ કાળી મહેનતથી ઉભા કરેલ શિયાળુ પાક પર માવઠાની આફતે તબાહી સર્જી છે. ખેડૂતોએ તૈયાર થયેલ ડુંગળીના પથરા કરીને રાખ્યા ત્યાં જ વરસાદી માવઠાથી ડુંગળી પલળી જતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે, ધારી-ગીર પંથકના ખેડૂતોએ 2500 રૂપિયાના ભાવના ડુંગળીના મોંઘા બિયારણ, ખાતર અને દવા સહિત મજૂરી બાદ તૈયાર થયેલા પાક ઉછેરી લીધો છે, ત્યારે છેલ્લા 15 દિવસમાં સતત બીજીવાર વરસાદી આફત આવી છે. કમોસમી વરસાદના કારણે ડુંગળી ઘઉં, ચણા અને ધાણાના વાવેતરને મોટી નુકશાની પહોચી છે. જોકે, હવે રાજ્ય સરકાર દ્વારા નિઃસહાય ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.