અમરેલીમાં ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ
રવિ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું શરૂ
DAP ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી
સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખાતર ન હોવાથી ખેડૂતોને ધરમ ધક્કા
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રી સુધી પત્ર લખી કરી રજુઆત
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રવિ પાકની સીઝન ચાલુ થતા ખેડૂતો વાવેતર તરફ જોતરાયા છે,પરંતુ બીજી બાજુ DAP ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઘઉં,ચણા,સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે.પરંતુ ખેડૂતો માટે એક સાંધતા તેર તૂટે જેવો ઘાટ ઘડાય રહ્યો છે.કારણ કે ખેડૂતો સંઘના કર્મચારી પાસે રવિ પાક વાવેતરને લઈને DAP ખાતરની માંગણીઓ કરી રહ્યા છે,પણ DAP ખાતર સહકારી ખરીદ વેચાણ સંઘમાં ન હોવાનું સંઘના કર્મીઓ જણાવી રહ્યા છે.ત્યારે ખેડૂતોને રવિ પાકમાં ઘઉં, ચણા, સોયાબીન જેવા વાવેતરો કરવાના હોય અને ખરીદ વેચાણ સંઘ સાથે જિલ્લાભરની એકપણ મંડળીઓમાં DAP ખાતર ન હોવાથી ખેડૂતોને વાવેતર કરવું કેમ તે મોટી મુશ્કેલીઓ સતાવી રહી છે.
આ પ્રશ્નને લઈને સરકારી નિગમ કેન્દ્ર પર ખેડૂતો ભેગા થયા હતા.અને DAP કે સરદાર ખાતર મળે તે માટે કાકલૂદી કરી રહ્યા હોવ છતાં એક પણ જગ્યાએ DAP ખાતર ન હોવાનું સંઘ અને નિગમના કર્મીઓ જણાવી રહ્યા છે.જ્યારે સહકારી સંઘના મેનેજર રાજુ માલાણી મિડીયા સમક્ષ કશું બોલવા તૈયાર નથી.ત્યારે રવિ પાક વાવેતર માટે છેક ગામડેથી ધક્કા ખાતા ખેડૂતોને DAP ખાતર વગર વાવેતર કઈ રીતે કરવું તેવી ગંભીર મુશ્કેલીઓ સતાવી રહી છે.
ખેડૂતો રવિ પાક વાવેતર માટે મોટાભાગના ખેતરો ખાલી પડ્યા હોય ને વાવણી કરવાના સમયમાં જ DAP ખાતરની અછત અમરેલી જિલ્લાભરમાં જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોને સારો વરસાદ પાણી હોવા છતાં રવિપાકનું ઘઉં,ચણા કે સોયાબીનનું વાવેતર કેમ કરવુ તે યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે.જ્યારે સહકારી ભવનોના ખરીદ વેચાણ સંઘ કે મંડળીઓમાં DAP ખાતર વગર ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે પણ ખાતર વગર ખેડૂતો બેબાકળા બની ગયા છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજીને પત્ર પાઠવીને ખેડૂતોને DAP ખાતરની અછત નિવારવા વિનંતી કરતો પત્ર પાઠવીને સોશીયલ મીડીયા મારફતે અપીલ કરી હતી.