Connect Gujarat
ગુજરાત

અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર...

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું કોંગી આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સાવરકુંડલા ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગી નેતાઓએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી.

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી, જ્યાં કોંગી કાર્યકર્તાઓએ હર્ષભેર પરિવર્તન સંકલ્પ યાત્રાને વધાવી હતી. કોંગી કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય અંબરીશ ડેર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બાઇક પર સવારી કરીને પરિવર્તન સંકલ્પ યાત્રાના સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યારે લાઠી બાબરાના કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મર વધુ આક્રમક બની મોરબી ઝૂલતા પુલની હોનારત ઘટનાને ટાંકીને મોરબી કલેકટરને પણ આડે હાથ લીધા હતા.

કોંગ્રેસ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના 2 દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાના નામ લીધા વિના પશુઓ સાથે સરખાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ સાથે જ પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત અને પુંજા વંશ સહિત કોંગી નેતાઓએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

કેન્દ્રીય કોંગી નેતા મુકુલ વાસનિકે પણ હિન્દીમાં ભાષણ કરી પ્રધામંત્રી મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. અંગ્રેજો સામે ગાંધીજીએ અહિંસક આંદોલન ચલાવીને મેળવેલી આઝાદી બાદ પણ 56ની છાતી નહીં પણ રામના નામ જપ્યા હોવાનું જણાવી આગામી 2022માં પરિવર્તન આવવાના સંકેતો આપ્યા હતા. કેટલી બેઠકો કબજે કરશે તે અંગે મગનું નામ મરી ન પાડીને મોરબીની ઘટના અંગે પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર સામે આંગળીઓ ચીંધી હતી.

Next Story