વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. તો સાથે જ ગીર વિસ્તારમાં આવેલો જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
અમરેલી, ગીર સોમનાથ વિસ્તારની અંદર અનેક પર્યટન સ્થળો છે જેમાં ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લ્હાવો છે.
શીંગવડો નદી મધ્ય ગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળદ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિના આશ્રમની નજીક જમજીરના ધોધ સ્વરૂપે વહે છે. 30 ફૂટ ઉંચાઇથી વહેતા આ ધોધની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગુમાવી દે છે.
આ ધોધના સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. જમજીરના ધોધની અંદર નાહવા અથવા સ્વિમિંગ કરવા માટે તંત્ર દ્વારા લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમના દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે તેમજ ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.