અમરેલીમાં શાળાની ગોબચારી આવી બહાર
શિક્ષણ વિભાગની તપાસમાં થયો મોટો ખુલાસો
જીવનતીર્થ વિદ્યાલયમાં અપૂરતી વ્યવસ્થા તેમ છતાં શાળા ધમધમતી હતી
શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યા કડક પગલાં
શાળાની માન્યતા પણ થઈ શકે છે રદ
અમરેલીમાં જીવનતીર્થ વિદ્યાલયમાં ચાલતી ગોબાચારી શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવી હતી.ત્યાર બાદ શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ શાળાની માન્યતા રદ કરવાની નોટિસ આપવામાં આવી હતી અને હવે આ અંગે બોર્ડને અહેવાલ પણ કરવામાં આવશે.
અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી. આ મંજૂરી ખુદ શિક્ષણ વિભાગ દ્વારા જ આપવામાં આવી હતી. જેને પગલે અહીં ધોરણ 11-12ના છાત્રોને સ્કૂલ બિલ્ડીંગના બદલે બે કિલોમીટર દૂર એક ટયુશન કલાસમાં બેસાડવામાં આવતા હતા. જે અંગેની ફરિયાદ મળ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગની તપાસમાં પણ છાત્રોને સ્કુલના બદલે અન્ય સ્થળે બેસાડવામાં આવતા હોવાનું બહાર આવતા શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલની માન્યતા રદ કેમ ન કરવી? તેનો ખુલાસો પૂછતી નોટિસ શાળા સંચાલકોને પાઠવી હતી. જો કે શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગને જવાબ આપવાની દરકાર પણ દાખવી ન હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલની માન્યતા રદ કરવા અંગેનો અહેવાલ શિક્ષણ બોર્ડને મોકલવામાં આવશે તેમ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતુ.