અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા નજીક આવેલ ખોડિયાર ડેમ અને ખોડીયાર મંદિર દિવાળીની રજાઓ દરમ્યાન પર્યટકોથી ઉભરાઇ ઉઠ્યો છે. ગળધરા નજીક આવેલ ખોડિયાર ડેમ ખાતે શિયાળાની શરૂઆતમાં કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થાય છે. ભરપુર પાણીથી છલોછલ ડેમમાંથી વહેતા પાણીને જોવા મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અહી સફારી પાર્કમાં સિંહ દર્શન તેમજ આસપાસના ફરવા લાયક સ્થળો ખાતે લોકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે રાજુલાના સંગીત પ્રેમી ખુશાલી જોશીએ પણ કનેક્ટ ગુજરાતના માધ્યમથી સુંદર પંક્તિ રજૂ કરી હતી.
જોકે, કોરોના સંક્રમણ સામે સાવચેતીના ભાગરૂપે અમુક સ્થળે લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે, ત્યારે અહી હરવાફરવા માટે તંત્ર દ્વારા સુંદર સ્થળો પણ બનાવવામાં આવ્યા છે. ખોડિયાર મંદિર પરિવારના રાહુલ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, માઁ ખોડિયાર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા અને આસ્થા છે, ત્યારે હાલ દિવાળીની રજાઓમાં અહી ભક્તોની વધુ ભીડ જોવા મળી રહી છે.