ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી થતી શેરીઓ સૂમસામ
ગામની શેરીઓ હવે રેઢિયાળ આખલાઓના કારણે થઈ સૂમસામ
સીમરણ ગામે આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન
આખલાઓ કપાસ સહિતના ખેતીપાકને પહોચાડે છે મોટું નુકશાન
ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવ્યું
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી શેરીઓ સૂમસામ થઈ જાય તેવું સાંભળ્યું હતું. પણ ગામની શેરીઓ રેઢિયાળ આખલાઓના કારણે સુમસામ થઈ જાય તેવુ સાવરકુંડલાના સીમરણ ગામે બન્યું છે. આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના સીમરણ ગામ 1400 લોકોની વસ્તી ધરાવે છે. પરંતુ દિવસે પણ સીમરણ ગામની શેરીઓ સૂમસામ ભાંસી રહી છે, અને શેરીઓમાં ચકલું ન ફરકે તેવી દિવસ દરમ્યાનની સ્થિતિ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ગામમાં 100 જેટલા આખલાઓનો અડિંગો સ્થાનિકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. આખલાઓ અને રેઢિયાળ પશુઓના ત્રાસથી સીમરણ વાસીઓએ “કિસાન બચાવો, જય જવાન-જય કિસાન”ના નારા સાથે સીમરણ ગ્રામ પંચાયતના સરપંચને આવેદન પત્ર પાઠવીને રેઢિયાળ આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી, જ્યાં તાકીદે આવા રેઢિયાળ આખલાઓ સ્થાનિકોને માર મારતા પાછળ દોડતા હોય જેથી અકસ્માતોના ગંભીર ખતરાથી ડરતા સીમરણ સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
જોકે, સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામની શેરીઓમાં આખલાના સામ્રાજ્યથી ભયનું વાતાવરણ બન્યું છે. તો સીમમાં આખલાઓ કપાસ સહિતના ખેતીપાકને ચરી જાય છે. એક તો અહી ખારાપાટનો વિસ્તાર ગણાઈ છે, જ્યાં માત્ર ચોમાસમાં ખેતી થઈ શકતી હોય, ત્યારે 100 ઉપરાંતના આખલા અને પશુઓથી પરેશાન ખેડૂતોની વ્યથાઓ આવેદન પત્ર મારફતે રજૂ કરવામાં આવી હતી, ત્યારે સરપંચે પણ આવેદનનો સ્વીકાર કરીને યોગ્ય કાર્યવાહીની ખાત્રી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત કરી હતી. એક તરફ બૃહદના ગામોમાં સિંહોના ફફડાટથી રાત્રિના સમયે શેરીઓ સૂમસામ થઈ જાય છે. તો બીજી તરફ, સીમરણ ગામમાં આખલાના ત્રાસથી દિવસે ગામની શેરીઓ સૂમસામ થઈ જતી હોય, ત્યારે આ આખલાઓના ત્રાસમાંથી સીમરણવાસીઓને ક્યારે મુક્તિ મળશે તે તો હવે આવનારા સમયમાં જોવું રહ્યું.