Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, પણ વરસાદે વધારી ખેડૂતોની ચિંતા..!

X

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે, ત્યારે માર્કેટ યાર્ડની બહાર કપાસ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે આજે બપોર બાદ વરસેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો હતો. એક તરફ બાબરા માર્કેટ યાર્ડમાં 15000થી 20000 મણ કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં યાર્ડની બહાર વાહનોની 2 કિલોમીટર લાંબી કતારો લાગી હતી. જોકે, સારા ભાવ મળતાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે આવી રહ્યા રહ્યા હતા. આ સાથે જ 800થી 1740 સુધીનો ભાવ મળતાં અન્ય તાલુકા સહિતના જિલ્લામાંથી પણ ખેડૂતો કપાસ લઈને આવ્યા હતા. જેથી કહી શકાય કે, છેલ્લા ઘણા વર્ષો બાદ જગતના તાતને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

બીજી તરફ અમરેલીના ધારી શહેરમાં આજે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે જગતનો તાત ફરી ચિંતિત બન્યો છે. ખેડૂતોના મગફળી સહિત કપાસના પાકો તૈયાર થઈ ગયા બાદ વરસાદથી ખેતીપાકોને નુકશાન જવાની વ્યાપક ભીતિ સેવાઇ રહી છે, ત્યારે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જુટવવાની શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. જોકે, આ વરસાદ ધારી શહેરના અડધા ભાગમાં પડતાં ક્યાક પાણી ભરાયા હતા, તો ક્યાક કોરું ધાકડ જોવા મળ્યું હતું.

Next Story