કાલોલ તાલુકાના મીરાપુરી ગામની ચકચારી ઘટના
3 સંતાનો સાથેના શ્રમિક પરિવારનો માળો વિખેરાયો
પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવાની બાબતે રકઝક
ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી
પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી આદરી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે. પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી રકઝકમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
કહેવાય છે કે, આવેશમાં આવીને ભરવામાં આવતાં કેટલાક પગલાં માનવીની જીંદગી છિન્નભિન્ન કરી નાંખે છે, ત્યારબાદ આવેશ કરી આચરવામાં આવેલા કૃત્ય માટે પસ્તાવો કરવા સિવાય કંઈ જ બચતુ નથી. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડે આવેલા મીરાપુરી ગામમાં બની છે. મહેનત મજૂરી કરી 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેળ શ્રમિક પરિવારમાં પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી રકઝકમાં પરિવાર વેરવિખેર થઈ ગયો છે. મીરાપુરી ગામના નિશાળ ફળિયામાં રહેતા મુકેશ ડામોર અને તેમની પત્ની સુરેખા ડામોરના સુખી લગ્નજીવન બાદ કુદરતે 3 સંતાનોની ભેટ આપી હતી. તેવામાં ગત તા. 28 જૂનની મોડી સાંજે મુકેશ ડામોરની પત્ની સુરેખા નજીકમાં આવેલા તેઓના દાદાના ઘરે ગયા હતા. આ દરમિયાન મુકેશ પણ ત્યાં પહોંચી ગયો હતો, અને પોતાની પત્ની સુરેખાને ઘરે આવી જમવાનું બનાવી આપવા માટે જણાવ્યું હતું, ત્યારે સુરેખાએ જમવાનું બનાવવા માટે થોડીવાર બાદ જવાનું જણાવી તુરંત જવા માટે ઇન્કાર કર્યો હતો. એ વેળાએ મુકેશ અચાનક જ આવેશમાં આવી ગયો હતો, અને તેના દાદાના ઘરેથી પત્ની સુરેખાને અંદાજીત 100 મીટર દૂર સુધી ઢસડતો ઢસડતો પોતાના ઘર તરફ લઈ જવા લાગ્યો હતો.
આ દરમિયાન થોડે દૂર આવી મુકેશે પોતાની પત્ની સુરેખાને મૂઢ માર માર્યો હતો. ગુસ્સામાં બેકાબુ બનેલા પતિ સામે લાચાર બની પત્ની સર્જીત સ્થિતિ સહન કરતી રહી હતી, ત્યાં એકાએક જ આવેશમાં આવી જઈ મુકેશ વાંસની લાકડી લઈ તૂટી પડ્યો હોય એમ માથામાં ઉપરાઉપરી ફટકા મારતા જ સુરેખા જમીન ઉપર ઢળી પડી હતી. મુકેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોતાની પત્ની સુરેખાને એ જ હાલતમાં પડતી મુકી ત્યાંથી પોતાના ભાઈના ઘરે ચાલ્યો ગયો હતો. તો બીજી તરફ, નજીકમાં રહેતા સ્વજનોને આ ઘટનાની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા, અને ઇજાગ્રસ્ત સુરેખાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી લેવામાં આવી હતી. પરંતુ માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી સુરેખાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર મામલે વેજલપુર પોલીસ મથકે મુકેશ ડામોર વિરુદ્ધ હત્યાના ગુના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે પત્નીના હત્યારા આરોપી પતિ મુકેશ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.