ભરૂચ જિલ્લા કોંગી અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીમાંચૂંટણીઓની માંગ સાથે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ચૂંટણી ન યોજાતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, કોંગી આગેવાન આંદોલન કરે તે પહેલા જ અંકલેશ્વર GIDC પોલીસે અટકાયત કરતાં તેઓ પોલીસ મથક બહાર ધરણાં પ્રદર્શન કરવા બેઠા હતા.
ભરૂચ જિલ્લાના વટારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વાલીયા ધી તાલુકા ખરીદ-વેચાણ સંઘ, વાલીયા પ્રભાત સહકારી જીન સહિતની સહકારી સંસ્થાઓમાં કોના ઇશારે ચૂંટણીઓ થતી નથી. સાથે જ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે સહાયની કાર્યવાહી કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં આ તમામ સમસ્યાના નિરાકરણની માંગ સાથે કોંગી અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી ત્યારબાદ ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ અંકલેશ્વર પોલીસે તેમના નિવાસ સ્થાનેથી સંદીપ માંગરોલાની અટકાયત કરતા રોષે ભરાયેલા કોંગી આગેવાને અંકલેશ્વર GIDC પોલીસ મથક બહાર ધરણાં પર બેસી જઈ સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો.