/connect-gujarat/media/media_files/2025/04/09/FLbOWZVE3EQ7dn9KvlZr.png)
ગુજરાતમાં ધારાસભ્યનો ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી. જેમાં એક કરોડનો વધારો કરી હવે વાર્ષિક અઢી કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, જે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમાંથી 50 લાખ રૂપિયા 'કેચ ધ રેઈન' અભિયાન માટે ખર્ચ કરવાના રહેશે.
ગુજરાતમાં ધારાસભ્યનો પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો માટે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જેમાં એક કરોડનો વધારો કરવામાં આવતા હવે અઢી કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. જે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમાંથી 50 લાખ રૂપિયા જળસંચયના વિકાસ કામો માટે ઉપયોગ કરવાનો રહેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે એવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખવામાં આવ્યો છે. વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડિસીલ્ટીંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફ સફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીના ટીપે-ટીપાના સંગ્રહ અને સંચય માટે “કેચ ધ રેઈન” અભિયાનનું આ વર્ષે દેશવાસીઓને આહવાન કર્યું છે. આ આહવાન ઝિલી લઈને રાજ્યના ધારાસભ્યો પણ પોતાના મતવિસ્તારોમાં વધુને વધુ વરસાદી પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરે તેઓ જનહિતલક્ષી અભિગમ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અપનાવ્યો છે. તદનુસાર, ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ “કેચ ધ રેઈન - સુજલામ સુફલામ જળ અભિયાન 2.O” અંતર્ગત પોતાના મત ક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે એવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.