Connect Gujarat
ગુજરાત

"અનોખી લોકવાયકા" : પોતાના દૂધનો અભિષેક કરતી હતી ગાય, સ્થળે ખોદકામ કરાતા નીકળ્યા સ્વયંભૂ ડભોડીયા હનુમાન...

ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

X

ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ હનુમાનજીની પ્રતિમા ઉપર 1,111 ડબ્બા તેલનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ડભોડીયા હનુમાન કળિયુગના દેવ તરીકે ઓળખાય છે. એક વાયકા મુજબ પાટણના રાજા ડભોડાના ગાઢ જંગલમાં આવીને છૂપાઈ ગયા હતા. જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે. ગોવાળો ગાયો ચરાવવા માટે આ જંગલમાં આવતા હતા, જ્યાં એક ટીલડી નામની ગાય ચોક્કસ જગ્યાએ પોતાના દૂધનો અભિષેક કરતી હતી. આ વાત રાજાને કરવામાં આવતા રાજાએ આ જગ્યાએ ખોદકામ કરાવ્યું હતું. જેમાંથી સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા મળી આવી હતી, ત્યારથી ડભોડા ગામ અસ્તિત્વમાં આવ્યુ હોવાનું પણ મનાઈ રહ્યુ છે.

જોકે, છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં તમામ મંદિરોમાં ધાર્મિક તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોના હળવો થતાં સરકાર દ્વારા છૂટછાટ અપાતાં તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ હનુમાન જયંતીના દિવસે રાજ્યના અલગ અલગ હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત ડભોડીયા હનુમાનજી મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ મારૂતિ યજ્ઞ, મહાઆરતી, પૂજન અર્ચન, ધ્વજારોહણ સહિત 151 કીલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીની પ્રતિમા પર 1,111 તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ઉપરાંત બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Next Story