દિયોદરના ગોદા નજીક સામૂહિક આપઘાતની ઘટના
નર્મદા કેનાલમાં 4 લોકોએ લગાવી મોતની છલાંગ
મહિલા, પુરુષ અને 2 બાળકો હોવાનું જાણવા મળ્યું
તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
પોલીસે ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીક નર્મદા કેનાલમાં 4 લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ અને મહિલા સહિત 2 બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પુરુષ અને મહિલાએ 2 બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં ચારેયના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં તરવૈયાઓએ ચારેય મૃતદેહ બહાર કાઢી લીધા હતા.
ત્યારબાદ પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ પ્રેમસંબંધ હોવાનું મનાય છે. પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિયોદરના નાના એવા ગામમાથી પસાર થતી કેનાલમાંથી 4 મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.