રાજયમાં પોલીસ વિભાગમાં ભરતીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુરમાં પરીક્ષાર્થીઓને તાલીમ માટે સામાજીક સંસ્થાઓએ બીડુ ઝડપ્યું છે.
ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે હજારો યુવક અને યુવતીઓ કઠોર પરિશ્રમ કરી રહયાં છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તેમના સંતાનોની તાલીમ માટે પુરતી આર્થિક વ્યવસ્થા હોતી નથી. તેઓ માથે દેવું કરીને પણ સંતાનોના સરકારી નોકરીમાં ભરતીના સ્વપ્નાઓને સાકાર કરતાં હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સેવાભાવી સંસ્થાઓ આવા તાલીમાર્થીઓ માટે આગળ આવી છે. પાલનપુરમાં રહેતી પ્રિયંકા ચૌહાણ છેલ્લાં કેટલાંક વર્ષોથી વુમન્સ કેર ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી રહયાં છે. પ્રિયંકાએ એક દિવસ વહેલી સવારે દીકરીઓને રસ્તા પર દોડતી જોઈ અને બસ તે સમયે જ નક્કી કર્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને તે વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવશે.
પાલનપુરમાં મામાનું ઘર નામથી હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. દાતાઓના સહયોગથી આજે 50 જેટલી દીકરીઓને રહેવા,જમવા તેમજ કોચિંગ સહિતની સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવી રહી છે. અહીં જુદા જુદા વિષયનાં નિષ્ણાત શિક્ષકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. અહીં તાલીમ આપતા શિક્ષકો તેમજ સેવાનો લાભ લેતી દીકરીઓ શું કહી રહી છે,,સાંભળો તેમના જ મુખેથી.
વર્તમાન સમયમાં જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ અને હોસ્ટેલ પાછળ વિધાર્થીઓને મસમોટી રકમ ખર્ચ કરવી પડે છે ત્યારે જરૂરિયાતમંદ દિકરીઓનું ખાખીનું સ્વપ્ન સાકાર કરવા પ્રિયંકાબેન સાચા અર્થમાં સંકટ સમયની સાંકળરૂપ ભૂમિકા નિભાવી રહ્યા છે.