કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સામે આક્રોશ
ભારતમાલા પ્રોજેક્ટ સામે ઉઠ્યો વિરોધ
ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાયની ફરિયાદ
જમીનનો ઓછો ભાવ મળતા ખેડૂતોનું આંદોલન
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.
કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદવાદ વચ્ચે ભારતમાલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે. જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે,તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા 20 થી 22ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે.જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે.જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તાના ખેડૂતોએ પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા હતા,અને ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને ચડોતરથી પાલનપુર જિલ્લા કલેકટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે.જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતને સાથે રાખી ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારી છે.જોકે ખેડૂતની નીકળેલી આ રેલીમાં વિપક્ષ પણ સાથે રહ્યું હતું.અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી આગેવાનો પણ ખેડૂતની સાથે પહોંચી જિલ્લા કલેકટરને ખેડૂતોને પૂરતા ભાવ આપવા રજુઆત કરી હતી.