ઉનાળાની શરૂઆત થતાં અનેક જગ્યાએથી આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગની આગ વાહનો તેમજ જંગલોમાં લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, હવે એક લગ્ન પ્રસંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન સમારંભમાં લગ્ન બાદ અચાનક આગ ફાટી નીકળતા હાજર લોકોમાં દોડધામ મચી હતી.
આગ લાગતાં જ સ્થાનિક લોકોએ આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્ન મંડપ, લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ડીસા ફાયર વિભાગના ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, લગ્ન પ્રસંગ બાદ મંડપમાં આગ લાગતાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.