-
વડગામમાં 17 જેટલા તળાવ ભરવાની માંગ
-
MLA સહિત ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
-
તાત્કાલિક અસરથી તળાવ ભરવાની માંગ કરાઈ
-
17 તળાવોને પ્રોજેકટમાં સમાવેશની કરાઈ માંગ
-
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા જીજ્ઞેશ મેવાણી
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવતા 17 જેટલા ગામ તળાવને ભરવાની માંગ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. અને જો આગામી દિવસોમાં તળાવ ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાણીના તળ ઉંડા જતા અગાઉ ખેડૂતોએ રેલી અને આંદોલન કરીને કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી.જે બાદ સરકાર દ્વારા 192 કરોડ રૂપિયાના ખર્ચે પાટણના ડીડરોલથી મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવ સુધી પાઇપલાઇન નાખી નર્મદાના નીર લાવવા તૈયારી બતાવી છે.ત્યારે વડગામ તાલુકાના તળાવ પણ ભરવા માટેની લોકોની માંગ છે. અને જો આ ગામ તળાવ ભરાય તો વડગામ તાલુકામાં ઉંડા ગયેલા પાણીના તળ ઉંચા આવી શકે છે,ત્યારે આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે ખેડૂતોએ પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વડગામ તાલુકામાં આવતા 17 જેટલા તળાવને પણ મુક્તેશ્વર અને કરમાવત તળાવના પ્રોજેકટમાં સમાવેશ કરવાની માંગ કરી છે.અને આ તળાવ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે.