ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી વેલસ્પન કંપનીના 400 જેટલા કર્મચારીઓ તેમની નોકરી બચાવવા જંગે ચઢયાં છે. વહીવટી તંત્રની રજુઆત બાદ પણ નકકર કાર્યવાહી નહિ થતાં શનિવારના રોજ કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર દેખાવો કર્યા હતાં.
દહેજમાં આવેલી વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓ તેમની નોકરી બચાવવા માટે લડત લડી રહયાં છે. કંપનીના મેનેજમેન્ટે કામદારોને ટ્રાન્સફર લેટર આપતા આંદોલનના મંડાણ થયાં છે. કોરોનાની મહામારી વચ્ચે બદલીના આદેશથી કર્મચારીઓની રોજીરોટી સામે સવાલો ઉભા થયાં છે. કર્મચારીઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી અગાઉ કલેકટર અને એસપીને રજુઆત કરી હતી.
કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કંપનીના કાયમી કામદારોને છુટા કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો યુનિયનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજરોજ કંપનીના કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર દેખાવો કર્યા હતાં.