Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની દલિત સમાજના આગેવાનોની રાવ

પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ, અમિત ચાવડા સામે નોંધાઇ છે પોલીસ ફરિયાદ. દલિત સમાજનું એક જુથ પોલીસ સ્ટેશન પહોંચ્યું.

X

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભાજપ બેકફુટ પર આવી જતાં હવે દલિત સંગઠનો મેદાનમાં આવ્યાં છે. અમિત ચાવડા સામે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાની રાવ સાથે કેટલાક દલિત આગેવાનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

ભરૂચ નગરપાલિકામાં નવી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખની બેઠક એસસી અનામત હતી. આ બેઠક પર વોર્ડ નંબર 8માંથી ચુંટાયેલા ધનજી ગોહિલ પ્રબળ દાવેદાર હોવા છતાં વોર્ડ નંબર 5માંથી સામાન્ય બેઠક પરથી ચુંટાયેલા અમિત ચાવડાને પ્રમુખ બનાવી દેવાયાં હતાં. અમિત ચાવડાએ અભ્યાસ દરમિયાન પોતે દરજી હોવાનું ડીંડક ચલાવ્યું હતું પણ પાલિકા પ્રમુખ બનવા માટે એસસીનું પ્રમાણપત્ર લઇ આવ્યાં હોવાનો ગંભીર આક્ષેપ દીનેશ ખુમાણ નામના અરજદારે કર્યો હતો. દિનેશ ખુમાણે કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટે અમિત ચાવડા સામે ખોટા પ્રમાણપત્ર રજુ કરવા સબબ ગુનો નોંધવા આદેશ કર્યો હતો.

આખરે એ ડીવીઝન પોલીસે અમિત ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધતા ભાજપ ભીંસમાં મુકાયું છે અને ભાજપના બે જુથો એકબીજા સામે શિંગડા ભેરવવા માટે સજજ બની ગયાં છે. પોલીસ ફરિયાદ બાદ ભાજપની હાલત સાપે છંછુદર ગળ્યાં જેવી થઇ જતાં હવે કેટલાક દલિત સંગઠનો આગળ આવ્યાં છે. આ આગેવાનોએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અમિત ચાવડાની તરફેણમાં રજુઆત કરી હતી. શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં ન્યાયનો વિજય થાય છે કે અન્યાયનો તે હવે જોવું રહયું પણ પ્રમુખની ખુરશી બચાવવા માટે આવા અનેક કાવાદાવાઓ ભરૂચની જનતાને જોવા મળશે તે કડવુ સત્ય છે.પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ.

Next Story