Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ફાટાતળાવથી ગાંધીબજાર સુધીનો રસ્તો નહિ બનતાં સ્થાનિકોએ કર્યો ચકકાજામ

ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.

X

સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીના વિશેષણોથી નવાજવામાં આવતાં હોય છે અને આવું જ કઇ ભરૂચમાં બન્યું છે. શહેરના ફાટાતળાવથી ગાંધી બજાર સુધીના રસ્તા તથા ગટરની કામગીરી શરૂ કરવામાં નહિ આવતાં સ્થાનિકોએ અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓ કહી ચકકાજામ કરી દીધો હતો.

ભરૂચ શહેરના ફાટાતળાવથી ફુરજા વિસ્તારમાં અનાજ કરિયાણા સહિત અનેક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. ભરૂચ શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી લોકો ખરીદી માટે ગાંધીબજાર, ફાટાતળાવ અને કતોપોર બજારમાં ખરીદી માટે આવે છે. આ વિસ્તારમાં હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ હોવાથી નવો રસ્તો તથા ગટર બનાવવા માટે 3.28 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં છે. રસ્તા અને ગટરનું કામ મંજુર થઇ ગયું હોવા છતાં કોન્ટ્રાકટરે કામગીરી શરૂ નહિ કરતાં વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે આ વિસ્તારમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ થોડા દિવસો અગાઉ નગરપાલિકાના સત્તાધીશોને રસ્તાની કામગીરી શરૂ નહિ થાય તો ચકકાજામની ચીમકી આપી હતી. નગરપાલિકા સત્તાધીશોએ સ્થાનિકોની માંગણી તરફ ધ્યાન નહિ આપતા આખરે શુક્રવારના રોજ ચકકાજામ કરી દીધો હતો.

બી ડીવીઝન પોલીસે સ્થાનિકોની સમજાવટ કરી મામલો તો થાળે પાડી દીધો હતો પણ લોકોમાં પાલિકા પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો છે. આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવે છે. આ વોર્ડમાંથી ચુંટાયેલા એઆઇએમઆઇએમના નગરસેવક ફરીમદીન શેખે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 10માંથી પાલિકામાં આશરે 2.55 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ વેરા પેટે આપવામાં આવે છે. કરોડો રૂપિયાનો વેરો ભરવા છતાં પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ પણ પુરી પાડતાં નથી. નગરપાલિકામાં રસ્તા અને ગટર બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી છે પણ કોઇ કાર્યવાહી નહિ કરાતાં આજે ચકકાજામ કરાયો છે હવે આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરાશે.

Next Story