Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ડીસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં ચાર ઉમેદવારના ફોર્મ રદ કરાતાં કોંગ્રેસ આકારા પાણીએ

ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકની ચુંટણી પહેલાં કોંગ્રેસના અગ્રણી સંદિપ માંગરોલા સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવાયા છે

X

ભરૂચ ડીસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચુંટણી પહેલાં કોંગ્રેસના અગ્રણી સંદિપ માંગરોલા સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવામાં આવતાં કોંગ્રેસ આકારા પાણીએ છે. ચુંટણી અધિકારી ભાજપના એજન્ટ તરીકે કામ કરતાં હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે..

ભરૂચ ડીસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંકની ચુંટણીમાં વિવાદ થયો છે. કોંગી અગ્રણી સંદિપ માંગરોલા સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવામાં આવતાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકની ચુંટણી દરમિયાન ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોના ફોર્મ સામે વાંધા અરજી થતાં સંદિપ માંગરોલ સહિતના આગેવાનોએ એસડીએમ કચેરીની બહાર ધરણા શરૂ કરી દીધાં હતાં. ધરણા બાદ પણ તેમના ફોર્મ રદ કરી દેવામાં આવતાં આખો મામલો હવે કલેકટર પાસે પહોંચ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ ચુંટણી અધિકારી ભાજપના એજન્ટ તરીકે કામ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સહકારી મંડળીઓના નિયમો મુજબ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડુતો તથા સ્ત્રી અનામતના કાયદાની જોગવાઇઓ હેઠળ આ વર્ગના મતદારોને તેમના મતાધિકારના હકકથી વંચિત રાખવામાં આવ્યાં છે. પ્રાંત અધિકારીએ બેંકની ચુંટણી સંદર્ભમાં બહાર પાડેલું જાહેરનામુ કાયદાની જોગવાઇઓની વિરૂધ્ધ હોવાથી તેને રદ કરવાની માંગ કરાય છે. આ ઉપરાંત ઉમેદવારોના ફોર્મની ચકાસણી વેળા ચુંટણી અધિકારી સમક્ષ વાંધાધારકે ઉમેદવારનું ફોર્મ જોઇ તરત જ ટાઇપ કરેલો વાંધો રજુ કર્યો હતો. આ ઘટના પુર્વ આયોજીત કાવતરા તરફ આંગળી ચીધી રહી છે. વધુમાં નાંદોદ તાલુકાની મંડળીમાં નામ ઉમેરવા અંગે કોર્ટના હુકમનું પણ પાલન થયું નથી. આ ઘટનાક્રમ ચુંટણી અધિકારી ભાજપ તરફી કામગીરી કરી રહયાં હોવાનું સુચવી રહી છે. ચારેય ઉમેદવારોના રદ કરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનોએ કરી છે.....

Next Story