ભરૂચ : 15 દિવસ સુધી કસક ગરનાળાને બંધ રખાશે, જુઓ શું છે કારણ

નર્મદા મૈયા બ્રિજની કામગીરી અંતિમ તબકકામાં પહોંચી, લેન્ડીંગ સ્પાન બ્રિજ ખાતે આવી પહોંચતા કામગીરીને વેગ.

New Update
ભરૂચ : 15 દિવસ સુધી કસક ગરનાળાને બંધ રખાશે, જુઓ શું છે કારણ

ભરૂચની નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજને સમાંતર બની રહેલાં બ્રિજને લઇ મોટા સમાચાર આવી રહયાં છે. ભરૂચ તરફના છેડા પર લેન્ડીંગ સ્પાનની અધુરી કામગીરી પુર્ણ કરવા માટે કસક ગરનાળાને રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડી દેવાયું છે. સંભવત: ઓગષ્ટ મહિનામાં નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહયો છે. આ બધાની વચ્ચે બ્રિજને લઇ મહત્વના સમાચાર સામે આવી રહયાં છે. નર્મદા મૈયા બ્રિજના ભરૂચ તરફના છેડા પર અધુરી રહેલી સ્પાનની કામગીરી 20 દિવસમાં પુર્ણ થાય તેવી સંભાવના છે. અમદાવાદથી બ્રિજના વિશાળકાય સ્પાન ભરૂચ આવી પહોંચ્યાં છે ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે બ્રિજની મુલાકાત લીધી હતી. બીજી તરફ આ કામગીરીને અનુલક્ષી વહીવટી તંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભરૂચના કસક ગરનાળાને આગામી 15 દિવસ સુધી રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, નર્મદામૈયા બ્રિજનું કામ લગભગ પૂર્ણ થવાને આરે છે જેમાં 90% જેટલું કામ પૂરું થઇ ગયું છે અને 10% કામ હવે શરૂ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી લેન્ડીંગ સ્પાન આવી ગયાં છે અને હવે તેને ટેલિસ્કોપિક ક્રેઇનથી મુકવામાં આવશે. આ કામ જોખમી હોવાથી કસક ગરનાળાને બંધ રાખવામાં આવશે. સ્પાનની કામગીરી 15 થી 20 દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે.

નર્મદા મૈયા બ્રિજ માટે યુથ કોંગ્રેસ દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવા આવ્યું છે જેને લઇ બે દિવસ અગાઉ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બળજબરી પૂર્વક બ્રિજનું નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા જતા પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. જે બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો માત્ર અને માત્ર નાટક જ કરે છે. ભરૂચની જનતાના સુખાકારી વહેલીતકે બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Latest Stories