Connect Gujarat
ગુજરાત

ભરૂચ : માર્ગો પર ટ્રાફિકમાં અડચણરૂપ સીટીબસો સામે કાર્યવાહી થતી ન હોવાનો રીકશાચાલકોનો આક્ષેપ

ભરૂચમાં 9 રૂટ પર શરૂ કરવામાં આવી છે સીટી બસ સેવા,પાર્કિંગમાં ઉભેલી રીકશાઓ સામે કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ.

X

ભરૂચમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પણ રીકશાચાલકો તેનો વિરોધ કરી રહયાં છે. રીકશા ચાલકોએ આક્ષેપ કર્યો છે કે, પાર્કિંગમાં ઉભી રાખવામાં આવતી રીકશાઓ પાસેથી પોલીસ દંડની વસુલાત કરે છે પણ સીટી બસો ગમે ત્યાં ઉભી રહેતી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ આવું જ વલણ અપનાવતી રહેશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

ભરૂચના લોકો સસ્તાદરે એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકે તે માટે શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કુલ 9 રૂટ પર 11 સીટી બસ દોડાવવામાં આવી રહી છે. સીટી બસ સેવાને ભરૂચના રીકશાચાલકોએ આવકારી છે પણ સીટી બસ શરૂ થયા બાદ પોલીસના વલણ સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. રીકશાચાલકોના જણાવ્યા મુજબ રીક્ષા સ્ટેન્ડ પાસે મુકેલી રિક્ષાઓને ડીટેઇન કરી પોલીસ દંડ વસુલે છે જેની સામે સીટી બસો મુખ્ય માર્ગો પર કલાકો સુધી ઉભી રહેતી હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

પોલીસના આ વલણનો વિરોધ કરવા માટે સોમવારના રોજ મોટી સંખ્યામાં રીકશાચાલકો કલેકટર કચેરીની બહાર એકત્ર થયાં હતાં. ઘટનાની જાણ થતાં એ ડીવીઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. રીકશાચાલકોએ કલેકટરને આવેદનપત્ર આપી જે પ્રકારે રીક્ષા ચાલકોને સેટેન્ડ પરથી જ પેસેન્જરો લેવા માટે દબાણ કરવામાં આવે છે તેમજ સીટી બસ પણ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ ઉભી રાખી મુસાફરો બસમાં બેસાડે તેવી માંગ કરવામાં આવી છે. સીટી બસ સેવા બાદ અનેક રીકશાચાલકો બેકાર બની ગયા હોવાની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. જો તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story