-
ભરૂચમાં શુક્રવાર બન્યો કાળમુખો
-
સર્જાયા જુદા જુદા બે માર્ગ અકસ્માત
-
મહિલા સહિત ચાર કમભાગીઓએ ગુમાવ્યા જીવ
-
શેરા ગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતા ત્રણ મિત્રો મોતને ભેટ્યા
-
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રકમાં ભટકતા મહિલાનું મોત
ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટ્રક પાછળ કાર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અને કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.આમ અકસ્માતની આ ઘટનામાં કુલ ત્રણ લોકોના નિપજ્યા હતા.ભાવનગરના ભરતનગરમાં આવેલા અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાત તેમના બે મિત્રો 20 વર્ષીય મિતેષ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા. સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાતની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય એક અકસ્માતનો બનાવ દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો.ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડયો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઇ હતી.જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબહેન પટેલ નામના મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે હિનાબહેન પટેલ,શિવ પુજારી,હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.