વિદ્યાર્થીનીઓને આતંકવાદી તરીકે બતાવવાની ઘટના
ભાવનગરની શાળામાં બની હતી ઘટના
ઘટનાથી મુસ્લિમ સમાજની દુભાઈ લાગણી
મુસ્લિમ સમાજમાં શાળાના કૃત્ય સામે રોષ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ કલેકટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બતાવવાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ભાવનગરની કુંભારવાડા શાળામાં 79માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિષ કરી છે. તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સાથે જ અમદાવાદની મણીનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પણ વખોડી કાઢી હતી,અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.