એસટી વિભાગના અંધેર વહીવટના કારણે લોકોને હાલાકી
ભરૂચ-માંચ રુટ પર દોડતી એસટી બસના મુસાફરો અટવાયા
ભોલાવ ડેપો પર એસટી બસમાં ડીઝલ ભરાવવામાં વિલંબ
ડીઝલ ભરવા માણસ ન આવતા મુસાફરો કલાકો અટવાયા
આવનારા સમયમાં આ સમસ્યા દૂર કરાશે : ડેપો મેનેજર
ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભોલાવ ડેપો પર ડીઝલ ભરાવવા ગયેલી બસ એક કલાકથી પણ વધુ સમય બાદ નહીં આવતા અટવાયેલા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપ-ડાઉન કરતા હોય છે. જેમાં ભરૂચના માંચ, નબીપુર, ઝંગાર સહિતના ગામમાંથી રોજ 200થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે. પણ આ વિદ્યાર્થીઓને એસટી. વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે માંચ, ઝંગાર, નબીપુરથી એસટી બસ ભોલવ ખાતે આવેલા ડેપો પર પોહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાકનો સમય લાગી રહ્યો છે. આ બસ માંચ, ઝંગાર, નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે, જેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસ ન હોવાના કારણે એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં, ભોલાવ ડેપો પરથી સીટી ડેપો સુધી પહોંચવામાં એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુસાફરો અને વિદ્યાર્થીઓને બસની રાહ જોવા તપસ્યા કરવા સાથે સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો. આ બાબતે એસટી. વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી, ત્યારે સમગ્ર મામલે ભરૂચ વિભાગીય ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ સમસ્યા સામે આવી છે. પરંતુ આવનાર સમયમાં આ સમસ્યાને દૂર કરી દેવામાં આવશે, તેવી ડેપો મેનેજર દ્વારા એસટી. બસમાં મુસાફરી કરતાં મુસાફરોને બાહેંધરી આપવામાં આવી હતી.