ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું
વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળશે
પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે કાર્યક્રમનો અમલ
બ્રાન્ચ-1ની કન્યાશાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરાયો
વિદ્યાર્થીઓ-શિક્ષકોએ અભિયાનને આવકારદાયી ગણાવ્યું
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે-દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બ્રાન્ચ-1 કન્યાશાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવી શિક્ષણ નીતિ-2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે“નો સ્કૂલબેગ ડે” રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં તા. 5 જુલાઇ-2025થી દર શનિવારે“નો સ્કૂલબેગ”નો અમલ શરૂ થયો છે. હવે બાળકોને દર શનિવારે બેગ વિના જ શાળાએ આવવાનું રહેશે, અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બ્રાન્ચ-1ની કન્યાશાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રથમ શનિવારે વિદ્યાર્થીઓને પ્રાર્થના, બાળગીત, યોગાસનો સાથે સમૂહ સફાઈ, માસ્ડ્રિલ, બાળસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ દર શનિવારે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. અત્રે ઉકલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા“બેગલેસ ડે” અભિયાનને વિદ્યાર્થી સહિત શિક્ષકોએ આવકારદાયી ગણાવ્યું હતું.