અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટનો મામલો
બ્લાસ્ટના કારણે 4 કામદારોના નિપજ્યા હતા મોત
ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની લીધી મુલાકાત
સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા
દુર્ઘટના અંગે કંપની સત્તાધીશો પાસે મેળવી વિગત
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. વેલ્ડીંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે.
સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે. આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે તે ખોટું છે.