જયાબેન મોદી હોસ્પિટલમાં સારવારનો મામલો
મહિલા દર્દીની સારવારમાં બેદરકારીના આક્ષેપ
દર્દીના પતિએ હોસ્પિટલ સામે કર્યા ગંભીર આક્ષેપ
ડોક્ટર,ટ્રસ્ટી અને સભ્યો સામે ગ્રાહક કમિશન કરી ફરિયાદ
હોસ્પિટલ દ્વારા આક્ષેપોને ફગાવીને પાયાવિહોણા ગણાવ્યા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મહિલાની સારવારમાં બેદરકારી દાખવવા બદલ દર્દીના પતિએ ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ દર્જ કરાવી છે,અને રૂપિયા 12 લાખનો દાવો માંડ્યો છે.જે ફરિયાદ સંદર્ભે હોસ્પિટલ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભોગ બનેલ મહિલા દર્દીના પતિએ ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દર્જ કરાવી છે. ફરિયાદી સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોક્ટર, સ્ટાફ મળીને 27 જેટલા ટ્રસ્ટીઓ-સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી,અયોગ્ય સારવાર, અને નફાખોરીના આક્ષેપો કર્યા છે.
સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી દ્વારા ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં તેમની પત્ની પ્રવિણાબેનની તબિયત લથડતા સારવાર અર્થે લઇ ગયા હતા.જ્યાં સારવારમાં બેદરકારીને કારણે તેમની પત્નીની તબિયત વધુ લથડી હતી,અને મોઢા સહિત શરીર પર લાલ કલરના સ્પોટ ઉપસી આવ્યા હતા,જોકે આ ટ્રીટમેન્ટ દરમિયાન હોસ્પિટલ દ્વારા ઈન્સ્યુરન્સ કંપનીને પણ જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા નહોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
સ્નેહલકુમાર પરમાર તેમની પત્નીની વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાંથી વડોદરા ભાઇલાલ અમીન હોસ્પિટલમાં લઇ ગયા હતા.સ્નેહલકુમાર પરમારે આ અંગે જણાવ્યું હતું કે જયાબેન મોદી હોસ્પિટલે ગંભીર બેદરકારી દાખવી છે,અને કેશલેસ વીમા અંગેની કાર્યવાહીમાં પણ સહયોગ આપ્યો નહોતો,જેના કારણે હોસ્પિટલે સિક્યુરિટી પેટે લીધેલો ચેક બાઉન્સ કરાવીને ફરિયાદ કરી છે.
તો બીજી તરફ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા પણ આ વિવાદનું ખંડન કરતા પોતાનો ખુલાસો આપ્યો હતો,અને ફરિયાદી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો અને ફરિયાદને ફગાવી દીધી હતી.હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.આતમી ડેલીવાલાએ એક વાતચીત દરમિયાન હોસ્પિટલ પર કરવામાં આવેલા આક્ષેપોને બદનક્ષીભર્યા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.