અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે હોસ્પિટલ
ઇએસઆઈસી હોસ્પિટલમાં લાગી આગ
આગ લાગતા દોડધામ
દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રિલ જાહેર કરાય
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ESIC હોસ્પિટલમાં આજરોજ સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સૌ પ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ સમગ્ર પ્રક્રિયા અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીના ભાગરૂપે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી.