સીસું ચોરી અને વેચાણનો પર્દાફાશ
મામલતદાર કચેરીમાં ટેમ્પામાંથી કરી હતી ચોરી
બી ડિવિઝન પોલીસને મળી સફળતા
પોલીસે ત્રણ ઈસમોની કરી ધરપકડ
પોલીસે 4 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 31 નંગ સીસું ધાતુનો જથ્થો મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ નજીક આવેલ પીરામણ ગામ જવાના રોડ પર મંદિર નજીક ઝાડી ઝાંખરામાં બે ઈસમોએ સીસુંનો જથ્થો સંતાડી રાખ્યો છે.પોલીસે તપાસ કરતા બે ફૂટ લાંબી અને પાંચ ઈચ પહોળાઈ ધરાવતી સીસુંની 31 નંગ પ્લેટો મળી આવી હતી.અને પોલીસે સ્થળ પરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને ઈમરાન અકબર મુન્સીની પૂછપરછ કરતા આ સીસું 25 દિવસ પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક કરેલી આઈસર ટેમ્પોમાં ભરેલ સીસુંનો જથ્થો હતો.જે માંથી કેટલોક જથ્થો ચોરીને ભરી લાવી સંતાડી રાખ્યો હતો.જ્યારે બીજો મુદ્દામાલ ઓગાળીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
આ ઘટનામાં પોલીસે અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી,ઈમરાન અકબર મુન્સી,બિલાલ અહેમદ શાહને ઝડપી પાડી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.