/connect-gujarat/media/media_files/2025/08/08/jayaben-modi-cancer-center-2025-08-08-16-45-37.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સાથે જ અંકલેશ્વરની અનેક સંસ્થાઓમાં બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અંકલેશ્વર-GIDC સેવા કેન્દ્રના સંચાલિકા અનિલા દીદી, યોગીના દીદી સહિત અન્ય બહેનોએ અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું, અને સારવાર લેતા દર્દીઓને વહેલા સાજા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝની બહેનોએ જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે, અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાઈ તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે. જે પરસ્પર પ્રેમ વરસાવે છે. ભાઈ-બહેનને પ્રવિત્ર સ્નેહએ બાંધવાનું આ પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.