અંકલેશ્વર: ઉકાઈ જમણાકાંઠા નહેર 36 દિવસ બંધ રહેતા પાણીની તંગીના એંધાણ, તંત્ર દ્વારા કરાયુ આગોતરું આયોજન

અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ઉકાઈ જમણાકાંઠા નહેર સમારકામ માટે રહેશે બંધ

  • નહેર 36 દિવસ બંધ રાખવામાં આવશે

  • અંકલેશ્વરમાં સર્જાય શકે છે પાણીની તંગી

  • તંત્ર દ્વારા કરાયુ આગોતરું આયોજન

  • પાણી પુરવઠામાં કાપ આપવામાં આવ્યો 

અંકલેશ્વર અને હાંસોટને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ 36 દિવસ સમારકામ માટે બંધ રહેતા અંકલેશ્વરના રહેણાક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાવાના એંધાણ વર્તાય  રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે.

નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટીફાઇડ એરિયા તેમજ નગર પાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવાયો છે. ઉદ્યોગો માટે 36 દિવસ ચાલે તેટલું અને પાલિકાએ 35 દિવસ સુધી ચાલે તેટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે. નોટીફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઉંડુ કરાવતાં પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે પણ જરૂર પડયે ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે.

અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારના વોટર રિસોર્સિસ વિભાગ દ્વારા પાણીકાપ અંગે એક પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે.જે મુજબ રહેણાક વિસ્તારમાં સવારે ૬ થી ૯ ક્લાક દરમ્યાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે.
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે ૩૫ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે.હાલમાં  સ્ટોરેજ પોન્ડમાં પંદર દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે.પાણી પુરવઠાની આપુર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી આઠ થી દસ એમએલડી પાણી પ્રતિદિન મળી શકે તેમ છે.
આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ બંધ રહેતા પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ જીઆઇડીસીના રહેણાક તેમજ ઉદ્યોગોમાં અપાતા પાણી પુરવઠામાં પણ કાપ મુકવામાં આવ્યો છે જરૂર જણાશે તો ઝઘડિયાથી પણ પાણી મંગાવવામાં આવશે.
Latest Stories