ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલીથી મુલદ સુધી ભારે ટ્રાફિકજામ સર્જાતા ઈમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં ફસાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ કે, જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, અને નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.
જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, ત્યારે ગોવાલી ગામથી મુલદ સુધી આશરે 3 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. રસ્તામાં કોઈ વાહન ખોટકાયું હોવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હોવાની માહિતી મળી હતી.
તો બીજી તરફ, ઈમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં ફસાયું હતું, ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય માર્ગ હોવાથી અનેક વાહનચાલકોને ટ્રાફિકજામમાં કલાકો સુધી હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.