વેકેશન હોવાથી કમાટી બાગ-વડોદરા ગયો હતો જંબુસરનો પરિવાર
કમાટી બાગમાં પરિવારની 4 વર્ષીય બાળકીને નડ્યો હતો અકસ્માત
જોય ટ્રેનની અડફેટે આવી જતાં બાળકીને પહોચી હતી ગંભીર ઇજા
ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જતાં હાજર તબીબે મૃત જાહેર કરી
અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે પર્યટન સ્થળો પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતો પરિવાર વડોદરાના કમાટી બાગ ખાતે હરવા ફરવા માટે આવ્યો હતો, જ્યાં આ પરિવારની 4 વર્ષીય બાળકી ખદિજા પરવેજ પઠાણ કમાટી બાગમાં ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહેલ જોય ટ્રેનના એન્જિનની અટફેટમાં આવી હતી. જેના પગલે ખદિજા પઠાણને ગંભીર ઇજાઓ પહોચતા તે બેભાન થઈ ગઈ હતી. જોકે, ઇજાગ્રસ્ત બાળકીને તેનો પરિવાર તાત્કાલિક નજીકના હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં હાજર તબીબી બાળકીને તપાસતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, 4 વર્ષીય માસૂમ બાળકીનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાય છે.