-
પશ્ચિમ વિસ્તારમાં આવેલી મદીના પાર્ક સોસાયટીની ઘટના
-
સોસાયટીમાં માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકની કરતૂત
-
ડમ્પર ચાલકે સોસાયટીમાં GEBના 8 વીજ પોલ ઉખેડી નાખ્યા
-
જીવતા વીજ વાયર લોકોના મકાનો અને જમીન પર પડ્યા
-
વીજકર્મીઓ ઘટના સ્થળે દોડ્યા, સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા-ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે. શનિવારે સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરવામાં આવતી હતી. તે દરમ્યાન ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાય જતાં ડમ્પર ચાલકે અંદાજીત 7થી 8 જેટલા વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા.
આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાંઓ પણ બળી ગયા હતા. ઘટનાના પગલે લોકો પોતાના મકાનોની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ, ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર જ વાહન મુકીને ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.