વાગરા પોલીસમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાનો મામલો
દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 12.04 લાખનો મુદ્દામાલ જપ્ત
કાર ચાલકની અટકાયત, જ્યારે 2 આરોપી વોન્ટેડ જાહેર કરાયા
વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ પોલીસમાં હાજર
પોલીસે આરોપીની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો. પોલીસે હાજર થયેલ આરોપીની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સુચનાઓ આપી હતી. જેને અનુસંધાને ગત તા. 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના સમયે વાગરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ગ્લોબલા ચોકડી તરફથી એક અર્ટિગા કાર આવતા તેના ચાલકને કાર ઉભી રાખવા પોલીસે ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે કાર ઉભી નહીં રાખી કાર પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાડી નાસી ગયો હતો. જેથી પોલીસને શંકા જતાં ખાનગી કારમાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
આ સમયે અર્ટિગા કારના ચાલકથી ભેરસમ ગામની નવી વસાહત નજીક રોડના વળાંક પાસે પલ્ટી મારી જતા રોડની બાજુના કાર ખેતરમા ઉંધી પડી ગઈ હતી. કાર પલ્ટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો. જેથી પોલીસે કાર ચાલકની દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 12.04 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની કડક પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈજલ મકા નામના 2 ઈસમો પણ આ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે 27 બાદ પોતે જ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.