/connect-gujarat/media/media_files/2025/08/02/amod-jambusar-road-2025-08-02-17-29-35.jpeg)
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે. માર્ગની નબળી ગુણવત્તાના કારણે તે હાલ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયો છે.
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતાં નવનિર્મિત માર્ગ પર મોટરસાયકલ, શાળાની બસો અને ટુ-વ્હીલર ચલાવવું જીવ જોખમભર્યું બની રહ્યું છે. અનેક વખત વિપક્ષના વિરોધ અને સ્થાનિક લોકોના રોષ બાદ તંત્રએ દેખાવ ખાતર સમારકામ હાથ ધર્યું હતું. જોકે, તે કામગીરી પણ બેદરકાર અને બિનયોગ્ય યોજના હેઠળ કરવામાં આવી છે.
સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાવી-કંબોઇ દર્શન બાદ અંકલેશ્વર કાર્યક્રમ દરમિયાન આ માર્ગ વાપરવાનો હોવાથી તંત્રએ તત્કાલ અસર માટે મોટી મેન્ટલ અને કપચી નાખવાની કામગીરી શરૂ કરી છે. આ આડેધડ કામથી ટ્રકના ટાયરો ફાટી જાય છે, અને આજુબાજુના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. માર્ગ પર આરોગ્ય કેન્દ્ર, શાળા અને મદ્રેસા આવેલ હોવાના કારણે સ્થાનિક રહીશોને પણ જીવલેણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીના આ કાર્યને જોઈને માત્ર સમારકામ નહીં, પરંતુ સંપૂર્ણ નવીનીકરણની જરૂરિયાત ઉભી થઈ છે. તંત્ર જો તત્કાલ નિર્ણય નહીં લે તો લોકોનો રોષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.