સ્પોર્ટ્સ ડે નિમિત્તે વેદના વ્યક્ત કરતા રમતવીરો
વિકસિત ભરૂચમાં જ સ્પોર્ટ્સ સંકુલનો અભાવ
રાજ્ય સ્તરે મેડલ જીતનાર ખેલાડીઓને મુશ્કેલી
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યામાં પ્રેક્ટિસ કરવા મજબૂરી
નિર્માણ પામી રહેલા કોમ્પ્લેક્સની અધૂરી કામગીરી
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રમતવીરો મૂળભૂત સુવિધાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે. શહેરમાં યોગ્ય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આધુનિક તાલીમ સુવિધાઓના અભાવે પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકતા નથી.
ભરૂચ પાલિકા દ્વારા મોદી પાર્ક પાસે વર્ષો પહેલા શરૂ કરાયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી. કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા આ કોમ્પ્લેક્સ અધૂરું પડ્યું છે, જેના કારણે ભરૂચના યુવા ખેલાડીઓને વર્ષોથી ગ્રાઉન્ડ માટે તંત્રના ચક્કર કાપવા પડે છે.
સ્થિતિ એટલી ગંભીર છે કે, રાજ્ય સ્તરે મેડલ લાવનારા 30થી વધુ ખેલાડીઓ હાલમાં રસ્તા પર, ખુલ્લી જગ્યા પર અથવા જ્યાં થોડું ખાલી મેદાન મળે ત્યાં પ્રેક્ટિસ કરવા મજબૂર છે. ઘણા ખેલાડીઓએ કહ્યું છે કે વરસાદી મોસમ દરમિયાન તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.કાદવ ભરેલા રસ્તા કે પથ્થરવાળા મેદાનો પર દોડવું પડતું હોય છે, જેના કારણે ઈજાનો ખતરો વધે છે. રમતવીરોનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓને માત્ર ભાષણ અને અભિનંદન પૂરતા મળે છે, પણ પ્રેક્ટિકલ સુવિધા મળતી નથી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
ખેલાડીઓ એ કહ્યું, અમે રાજ્ય સ્તરે મેડલ જીત્યા છે, પણ આજે પ્રેક્ટિસ માટે યોગ્ય મેદાન નથી. અમે રસ્તા પર દોડીએ છીએ, ગમે ત્યાં વર્કઆઉટ કરીએ છીએ. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવું અશક્ય છે.ભરૂચના ખેલપ્રેમીઓ અને ટ્રેનર દ્વારા પણ ચિંતા વ્યક્ત કરી છે કે તંત્રના અવગણનાને કારણે ભરૂચનું પ્રતિભાશાળી સ્પોર્ટ્સ ટેલેન્ટ નાશ પામે છે. જો સમયસર યોગ્ય સુવિધા ઉપલબ્ધ નહીં થાય, તો યુવાનોમાં નિરાશા ફેલાય તેવી શક્યતા છે.આ પરિસ્થિતિમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી ખેલાડીઓ માટે એક મજાક સમાન લાગી રહી છે. તંત્રની તસવીરોમાં ખેલાડીઓને અભિનંદન આપવા ફોટો સેશન થાય છે, પણ મેદાનની વાત આવે ત્યારે બધું મૌન થઈ જાય છે.ભરૂચના રમતવીરો, કોચીસ અને ખેલપ્રેમીઓની એક જ માંગ છે કે જલદીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ કરી યોગ્ય તાલીમ સુવિધાઓ આપવામાં આવે.
તો આ તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલએ જણાવ્યું હતું કે હાલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર દરવાજા લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, સાથે સાથે આવનારા સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ કસરતના સાધનોથી માંડીને રમતના સાધનો મૂકી દઈ વહેલી તકે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને શરૂ કરવામાં આવશે.