New Update
-
ભરૂચની મધ્યમાં આવેલું છે ઐતિહાસિક રતન તળાવ
-
રતન તળાવના વિકાસ માટે તંત્રની ઉદાસીનતા
-
તબક્કાવાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય
-
પરિસ્થિતિ ઠેરની ઠેર જ રહી
-
વધુ એકવાર તંત્રએ તળાવના વિકાસની આપી ગેરેન્ટી
ભરૂચની મધ્યમાં આવેલ ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે.વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવો થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ રતન તળાવની પરિસ્થિતિ એવી ને એવી જ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થાય છે પરંતુ કામગીરી કેમ નથી થતી તે એક યક્ષ પ્રશ્ન છે
ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે. કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી. ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં શહેરના મધ્યમાં આવેલ રતન તળાવનો પણ સમાવેશ થાય છે.વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે.તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મુકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય.રતન તળાવમાં 250થી 300 વર્ષના કાચબા વસવાટ કરે છે. સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. પરંતુ તળાવ દૂષિત થતા અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવના બ્યુટીફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે 4થી 5 કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન જીવણ ડોડીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.જો કે આ 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાય ગઈ એનો કોઈને ખ્યાલ જ નથી
હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિઝન મશીન મુકવામાં આવ્યા હતા જે ઓક્સિઝન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી.કાચબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા. આજે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટીફીકેશન અને વિકાસ માટે પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જોકે ક્વોલિફાઇડ એજન્સી ન મળતા કામ ખોરંભે પડ્યુ હતુ પરંતુ હાલમાં જ એજન્સીની નિમણૂક થતા ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે
ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરીયા તળાવની જેમ વધુ એક નવું નજરાણુ આપે તે અત્યંત જરૂરી છે.