New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે, આ ઘટના અંગે યુવા કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરીને જરૂરી તપાસની માંગ કરી હતી.
સરકારી યોજનાની બલીહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય આખરે તેની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે.આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા.યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે,ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે.
આ તરફ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15 માં જંબુસર,આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 જેટલી સાયકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી.જેની સામે 1000 રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી છે.
Latest Stories