New Update
/connect-gujarat/media/media_files/qgmDwNixR82BvQaclSjD.jpeg)
ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોષીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેકટર સમક્ષ લાગણી વ્યક્ત કરી છે.
આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા બ્રિજ એ એક ઐતિહાસિક નમૂનેદાર સ્થાપત્ય છે.આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડીંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઉભો છે.
/connect-gujarat/media/media_files/QPrSl3CUj468oK6RrOZJ.png)
નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉભો કરાતા ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ છે કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી.આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.
આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે? અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો પડ્યો તેને વધુ ઝંગ લાગશે અને નુકસાન થશે.
ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોષીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે, ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે. જેની ગરિમાને જાળવવીએ સરકારની ફરજ છે અને તેથી આને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ.