જામા મસ્જિદ મુદ્દે વકર્યો વિવાદ
ભરૂચ શહેરમાં આવેલી છે મસ્જિદ
સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે
સંતોએ ઉપવાસ આંદોલનની કરી શરૂઆત
મસ્જિદમાં નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ
ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો છે,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે,તેમજ ઉપવાસ આંદોલન બેઠા છે.
ભરૂચ શહેરના મધ્યભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ મૂળ રૂપે ‘સમળી વિહાર’ જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે.
આ મુદ્દે આજે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરાનંદજી, સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાધેવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે,તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વક્તાઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા કરવી દરેક નાગરિકની ફરજ છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે સંતો અને સમાજને આંદોલન કરવાનું મજબૂર બનવું પડ્યું છે. સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે.હાલમાં શાંતિપૂર્ણ રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી પણ સંતોએ આપી છે.