ભરૂચ જિલ્લા ન્યાયાલયનો ચકચારી બનાવ
કોર્ટમાં લાંચ લેવાના કેસમાં વકીલ ઝડપાયો
અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ
આરોપી વકિલના જામીન અરજીની થઇ સુનાવણી
કોર્ટે આરોપી વકીલના જામીન કર્યા નામંજુર
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાઇ ગયો હતો,આરોપી વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી,જે કોર્ટે નામંજૂર કરી હતી.
સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારએ ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો હતો. ચકચારી બનાવની વિગતો અનુસાર, ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો, અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હતી. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે
ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલ સલીમ મન્સૂરીએ ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો,આ ગુનામાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા
જ્યારે આરોપી દ્વારા ભરૂચના ચોથા અધિક સ્તર ન્યાયધીશ હિતેશ એચ.ગાંધીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી,અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વકીલના જમીન નામંજૂર કર્યા હતા.