ભાણખેતર ગામનું છે ધાર્મિક મહત્વ
તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કર્યું હતું તપ
ભાનુ ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું ગામ
લાભ પાંચમના દિવસનું છે વિશેષ મહત્વ
અન્નકૂટ દર્શન સાથે લોક મેળો યોજાયો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમના પ્રસંગે અન્નકૂટ મહોત્સવ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામની પૌરાણીક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યને નીચે ઉતારવાની ફરજ પાડી હતી. તેથી આ તપો ભૂમિ ભાનુ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે. જોકે ભાનુ ક્ષેત્રનું અપભ્રંશ થઈ આ ગામનું નામ ભાણખેતર થયું જ્યાં ગણપતિજી મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે.જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે.તેનું દાન ધર્માદામાં વિશિષ્ટ મહત્વ માનવામાં આવે છે.
આ ભાણખેતર ગામમાં મસાણી માતાજીનું મંદિર, રામજી મંદિર, વૈષ્ણવોની હરિરાયજી મહાપ્રભુજી બેઠક, ગણપતિ મંદિર, રામનાથ મહાદેવ, ભાથીજી મહારાજ સહિતના મંદિરો આવેલા છે. પ્રતિવર્ષની જેમ લાભ પાંચમના પવિત્ર દિવસે અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને ગ્રામ પંચાયત દ્વારા મેળાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું. દર્શન અને મેળાનો જંબુસર નગર સહિતની જનતાએ લાભ લીધો હતો.