ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે નશામાં ધૂત ડમ્પર ચાલકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ-ઝનોર સહિતના નર્મદા પટમાંથી રેતી ઉલેચીને જતાં ઓવરલોડ ડમ્પરોના ચાલકો બેફામ રીતે વાહન હંકારતાં હોય છે, જ્યાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીકથી સામે આવી છે, જ્યાં કેટલાક ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. શુક્લતીર્થ રોડ પર ઓવરલોડ રેતી ભરેલ અને નશામાં ધૂત ડમ્પર ચાલકે કારને ટક્કર મારી 40 ફૂટ દૂર સુધી ઢસડી હતી.
આ ઘટનામાં કારમાં સવાર ચાલક દિલીપસિંહ રાજનો સદનશીબે આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા, ત્યારે ભેગા થયેલા ટોળાએ નશામાં ધૂત ડમ્પર ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં પણ અનેક અકસ્માતો આવા ડમ્પરના કારણે બન્યા છે, ત્યારે હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખનીજ માફિયાઓ સામે ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.