ભરૂચ: દહેજમાં ગુજરાત પોલીસે જપ્ત કરેલા રૂ.381 કરોડના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ, એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ભરૂચના દહેજની બેઇલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા 381 કરોડથી વધુની કિંમતના ડ્રગસના જથ્થાનો ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચના દહેજમાં યોજાયો કાર્યક્રમ

  • રૂ.381 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

  • ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

  • એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સની જાહેરાત

  • સારી કામગીરી કરનાર 92 પોલીસકર્મીઓનું સન્માન

ભરૂચના દહેજની બેઇલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા 381 કરોડથી વધુની કિંમતના ડ્રગસના જથ્થાનો ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી
રાજ્ય સરકારના નશા-મુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે ડ્રગ્સ નાબુદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા ૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTFનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટાસ્કફોર્સનું ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ હશે. સાથે જ આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર ૧૯૩૩ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામા આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારની રીવોર્ડ પોલીસી હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને રૂ.૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ડી.જી.પી વિકાસ સહાય, વડોદરા રેન્જ આઈ.જી.સંદીપસિંહ, ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નથી ચલાવી રહી પરંતુ લડત લડી છે જેમાં આજે ડ્રગ્સનો નાશ કરી મોટી સફળતા મેળવવામાં આવી છે.
Latest Stories