New Update
ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કીમ નદીમાં નવા નીરની થઈ આવક
સાહોલ ગામ નજીક નદી બે કાંઠે
નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો
ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાય રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.